નિવેદન

 

           "સાવિત્રી" નું છઠઠું પુસ્તક પ્રભુના પ્રકાશમાં પ્રવેશે છે. શ્રી અરવિન્દનું અલૌકિક અધ્યાત્મકાવ્ય આ સાથે પૂરેપૂરું ગુજરાતી બની જાય છે અને સ્વર્ગીય 'સાવિત્રી' ગુજરાતી સ્વાંગમાં ગુર્જર ધરા ઉપર અને ગુજરાતનાં ભાવિક હૃદયોમાં ઋતચ્છંદની રાસલીલા આરંભે છે.

          સર્વપ્રથમ ગુજરાતે શ્રી અરવિન્દના આતિથ્યની લહાવો વર્ષોનાં વર્ષો સુધી લીધો હતો અને આ અદભુત કાવ્યનો આરંભ પણ ગુજરાતના હૃદયસ્થાને વિરાજતા વડોદરામાં થયો હતો એ જાણી કયું ગુજરાતી હૃદય પ્રફુલ્લિત નહિ બની જાય ?  આમ આરંભાયેલું આ મહાકાવ્ય વર્ષોનો વિહાર કરતું વૃદ્ધિ પામતું ગયું, એનાં અંગો અને ઉપાંગો સમયે સમયે નિત્યની નવીનતા અને પરમાત્મપુષ્ટિઓ પામતાં ગયાં અને યોગેશ્વરની યોગસિદ્ધ ભાગવત ચેતના એનામાં ક્રમે ક્રમે વધારે ને વધારે ઠલવાતી ગઈ. આને પરિણામે ચોવીસેક હજાર અનવધ કાવ્યપંક્તિઓએ એનું અત્યારનું સર્વગુણસંપન્ન શરીર દેવોની દિવ્યતાથી ને પરમાત્માની પૂર્ણતાથી ભરી દઈ આપણી આરાધના માટે આપણને સપ્રેમ સમર્પ્યું છે.

             ચારે પ્રકારની વાણીના વૈભવોએ ભરેલા આ મહાકાવ્યમાં ચૌદે ભુવનની ચેતન-ચમત્કૃતિઓએ છંદોમય રમણીય રૂપ લીધું છે; ત્રિલોકનાં તારતમ્યો એના શબ્દોમાં સમાશ્રય પામ્યાં છે, અને આ લોકનાથ હૃદયાહલાદક રસો એને રૂંવે રૂંવે ઝરણાં બની ફૂટી નીકળે છે અને એમના કલકલ નિનાદથી શ્રવણોને મુદામાધુર્યે ભરી દે છે. વળી એ છે અધ્યાત્મવિદ્યાનો વિશ્વકોષ, યોગસાધનાનું ગાન ગાતું  મહા-શાસ્ત્ર. એના શબ્દોમાં सत्यं शिव सुन्दरम् |  ની ઉષાઓ ઊઘડે છે, એના અક્ષ્રરોમાં અમૃતાર્દ્ર આભાઓ આલય શોધતી આવી વસી છે. ઋગ્વેદના મહસ-મંત્રો, યજુર્વેદની યજન-પ્રાર્થનાઓ, સામવેદનાં સનાતન સંગીતો, ને અથર્વવેદનાં સિદ્ધિપ્રદ સૂકતો ' સાવિત્રી'માં સર્વતોભદ્ર સ્વરૂપે જાણે પ્રકટ થયાં છે, ઉપનિષદો અને ગીતાઓ એનાં અંગોમાં અંગભૂત બની ગઈ છે, અને અદભુત વિકાસે પહોંચેલું પદાર્થવિજ્ઞાન પણ એની કાવ્યમયી કેડીઓમાં હરતુંફરતું હોય એવું જણાઈ આવે છે.


            ' સાવિત્રી' નું અનુવાદકાર્ય તથા સાથે સાથે તેનું પ્રકાશન કેવી રીતે આરંભાયું એ એકદૃષ્ટિએ અંગત જેવું હોવા છતાંય અહીં જણાવું તો સહૃદયોને એમાંય કદાચ રસ પડશે. આમાં મારી ભૂલ થતી હોય તો પ્રથમથી જ ક્ષમા માગી લઉં છું.

            ' સાવિત્રી'નો સળંગ ને પૂર્ણ અનુવાદ કરવાની ઈચ્છા તો ઘણા સમયથી થયા કરતી હતી ને આશ્રમના કોઈ પીઢ પુરુષેય એ માટેની મને સૂચના પણ કરેલી. પરંતુ મારી હિંમત ચાલતી ન હતી. એને માટે ઘણી ઘણી આંતરિક તૈયારીની જરૂર છે એવું મને લાગતું. તેમ છતાંય એકવાર થોડો પ્રયાસ તો મેં કરી જોયો ને સંતોષ ન થવાથી કામ પડતું મૂકયું. વળી એને માટે અનુકૂળ છંદ પણ મને મળ્યો નહોતો. આવી સ્થિતિમાં આગળ ચાલવું અશક્ય હતું, એટલે હું મારી ઈચ્છાને બદલે પ્રભુની ઈચ્છાની રાહ જોવા લાગ્યો.

              લાંબે ગાળે એ સમય પણ આવ્યો. ૧૯૭૨ ની શ્રી અરવિન્દની શતાબ્દીને નિમિત્ત બનાવી 'શ્રી અરવિન્દ મહાપ્રભુ' નામનું ૩૬૬ મુક્તકોનું  મારા અર્ધ્યરૂપ કાવ્ય પ્રકટ કરવાનો અવસર મને મળ્યો. એની સાથે સાથે ' નિતનવિત' ને 'પ્રહર્ષિણી' માં શ્રી માતાજી માટેનાં બસોએક મુક્તકો પણ પ્રકટ કરવાનું પ્રાપ્ત થયું પંદરમી ઓગસ્ટ પસાર થઈ ગયા પછી એક વાર હું મારી રૂમ નજીક ઊભો રહી શ્રી અરવિન્દની સમક્ષ આવેલી સમાધિનાં દર્શન કરતો હતો ત્યાં " હવે 'સાવિત્રી' આરંભ" એવો શ્રી અરવિન્દનો જાણે મને આદેશ થયો હોય એવું અંતરમાં લાગ્યું ને એ આદેશે મારા આત્મા ઉપર અધિકાર જમાવ્યો ને મારા સ્વભાવ અનુસાર આનાકાની વગર હું એને આધીન થઈ ગયો. મારી અલ્પ શકિતનું મને પૂરેપૂરું ભાન તો હતું, પરંતુ ભગવાનનો આદેશ છે, ભગવાનનું કાર્ય છે ને ભગવાનની શકિત એને પાર ઉતારશે એવી શ્રદ્ધા મારામાં જાગી ને એ મહાભારત કાર્યનો આરંભ કરી દેવોનો મેં નિર્ણય કર્યો. પ્રથમ તો એ કાર્યારંભ માટે શ્રી માતાજીના શુભ આશીર્વાદ માગ્યા અને એ મને સહજમાં મળ્યા, ને એથી અધિક તો એમણે ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૩ નો દિવસ પણ આશીર્વાદ સાથે અગાઉથી લખી આપ્યો. હવે મારામાં ખરી હિંમત આવી અને મેં અનુવાદના મહાસાહસમાં ઝંપલાવ્યું. વળી આ મહા-કાવ્યના પ્રકાશનનો ભાર અન્ય કોઈ લે એવું નહિ તેથી તે પણ મારા સદભાગ્યે મારે માથે આવ્યું, ને સિત્તેરેક હજારનો ખર્ચ શ્રી અરવિંદને નામે ઉપાડી લીધો. અડતાળીસ વર્ષથી અકિંચન રહેલા મારા જેવા અપ્રખ્યાત માણસ માટે આ મોટી ઘૃષ્ટતા હતી, પરંતુ મને ખાતરી હતી કે મારા કરતાં અનંતગણો સમર્થ મારા સાથમાં છે ને એની શકિત માટે કશું અશક્ય નથી.

           પછી તો પ્રભુના પ્રકાશમાં, પ્રભુનું પ્રેર્યું 'સાવિત્રી પ્રકાશન' આરંભાયું અને એ માટેની ગ્રાહક્યોજના જાહેર થઈ. એક બાજુ ગ્રાહકો નોંધાતા જાય, બીજી બાજુ પ્રથમ પુસ્તક માટેનો અનુવાદ થતો જાય, એક બાજુ વ્યવસ્થા વિચારતી જાય ને


બીજી બાજુ અમલમાં મુકાતી જાય, આમ રમઝટ મચી. ને વીજળી ઉપરના જબરા કાપે મોટું વિધ્ન ઊભું કર્યું, છતાં નક્કી કરેલા દિવસથી બહુ દૂર નહીં એવે દિવસે 'સાવિત્રી' નું પ્રથમ પુસ્તક ગુજરાતના હૃદયની યાત્રા કરવા નીકળ્યું. આવી જ રીતે છ છ મહિને એક-એક ૨૧ ફેબ્રુઆરીએ ને બીજું ૧૫ ઓગષ્ટે, એમ પુસ્તકો પ્રકટ થતાં રહ્યાં અને આજે 'સાવિત્રી' ના છના સેટનું છઠઠું પુસ્તક પ્રભુના પ્રકાશમાં પ્રકટ થાય છે.

             સનાતન એવા શ્રી અરવિન્દ મહાપ્રભુએ જ આ કાર્ય કર્યું છે એવું કહું તો તે અક્ષરશ: સાચું છે. બાકી શરીર-સ્વાસ્થ્ય તકલાદી હોવા છતાંય બે વરસમાં 'સાવિત્રી' નો પૂર્ણ અનુવાદ અને તેના પ્રકાશન માટે પર્યાપ્ત ધન પ્રાપ્ત કરવાનું સહેલું નહોતું; પરંતુ મહાપ્રભુની મીઠી મહેરે એ બધું કરી બતાવ્યું છે. આ ગુજરાતી અનુવાદ મહાપ્રભુનો મહાપ્રસાદ છે, અને ભાવિકો એને અપનાવી લઈ પરમાત્મપુષ્ટિ પ્રાપ્ત કરવાનું નહિ ચૂકે એવી શુભાશા છે.

             અત્ર જણાવવું જોઈએ કે ઓછામાં ઓછી કિંમતે 'સાવિત્રી' જેમનામાં જીજ્ઞાસા હોય તેમને મળે એવો સંકલ્પ આરંભથી  જ રાખ્યો હતો, તે કારણને લીધે જે બારસોએક ગ્રાહકોનાં લવાજમ આવ્યાં છે તે પ્રકાશનના જંગી ખર્ચને પહોંચી વળે એમ નથી. પરંતુ કેટલાક સદભાવી ને સ્નેહી મિત્રોએ તેમ જ સાવ અજાણ્યા આસ્થાળુ ભાવિકોએ ઉદારતાથી સહાય કરી મારો ભાર હલકો ફૂલ બનાવી દીધો છે. આ નિષ્કામભાવી પ્રભુપ્રેમી ઉન્નત આત્માઓનો અંગત ભાવે હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે; પણ એમણે તો આ પ્રભુના કાર્યને પ્રભુપ્રીત્યર્થે પોતાનું બનાવી દઈ એને પૂર્ણાહુતિએ પહોંચડવાનું  પ્રેમકાર્ય કર્યું છે, તેથી મારી તો શ્રદ્ધા છે કે પ્રભુ પોતે જ સુપ્રસન્ન ભાવે એમને પોતાનો મહાપ્રસાદ સમર્પશે. મારી પ્રાર્થના છે કે એમના પ્રેમાત્માઓ પ્રભુથી પરિપૂર્ણ બનો !

              'સાવિત્રી' સમજવાનું સરલ તો નથી જ, પરંતુ स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् | એ ભગવદ્વચન પણ આપણને મળેલ છે, ભક્તિભાવ સાથે ને સત્યનિષ્ઠાપૂર્વક 'સાવિત્રી' નું પરિશીલન આપણને પ્રકાશમાં લઈ જશે, પરમાત્મ-પ્રેરણાઓ પૂરી પાડશે, બ્રહ્યના મહાબળથી બળવાન બનાવશે, અને મૃત્યુંજય પ્રભુપ્રેમના પીયૂષી પ્રસાદ પીરસશે. શ્રી માતાજીએ આ મહાકાવ્યનો મહિમા કેવા મુક્ત મને ગાયો છે તે આશ્રમના બાળકો આગળના એમના વાર્તાલાપ દરમ્યાન કંઇક નીચેના શબ્દોમાં જાણવા મળ્યું છે. એમના એ વાર્તાલાપમાંથી  થોડું થોડું આ પહેલાંના પુસ્તકોનાં નિવેદનોમાં આવી ગયું છે ને આ છેલ્લા પુસ્તકમાં બાકી રહેલું આપવામાં આવે છે. આશા છે કે એ ઊંડે ઊંડે આસ્થાળુઓને સ્પર્શશે અને એમને શ્રી મહાપ્રભુના મહાકાવ્યનાં પીયૂષોનાં પાન કરાવશે.


       (નીચેનું અવતરણ-ચિહ્નમાં મૂકેલું લખાણ માતાજીના જ શબ્દોમાં નથી, પણ એ શ્રોતાની સ્મૃતિ ઉપરથી લખાયેલું છે.)

       " અને હું ધારું છું કે 'સાવિત્રી' ને અપનાવી લેવા માટે માણસ હજી સુધી તૈયાર થયેલું નથી. એને માટે એ અત્યંત ઉચ્ચ અને અત્યંત વિરાટ છે. એ એને સમજી શકતો નથી, બુદ્ધિની પકડમાં લઈ શકતો નથી, કેમ કે મન વડે એ 'સાવિત્રી'ને સમજી શકે એમ નથી. એને સમજવા માટે ને પચાવવા માટે આધ્યાત્મિક અનુભવોની આવશ્યકતા રહે છે. જેમ જેમ માણસ યોગને માર્ગે વધારે આગળ વધે છે, તેમ તેમ તે 'સાવિત્રી' ને વધારે ને વધારે સારી રીતે આત્મસાત્ કરે છે. ના, 'સાવિત્રી' એક એવી વસ્તુ છે કે માત્ર ભવિષ્યમાં એની કદર થશે. એ છે આવતી કાલની કવિતા. એ અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સંસ્કારશુદ્ધ છે. 'સાવિત્રી' મનમાં કે મન દ્વારા નહીં પણ ધ્યાનગમ્ય અવસ્થામાં આવિષ્કાર પામે છે.

          અને માણસોની ધૃષ્ટતા તો જુઓ, તેઓ એને 'વર્જિલ' કે 'હોમર' સાથે સરખાવે છે અને એ એમનાથી ઊતરતી છે એવું જણાવે છે. તેઓ સમજતા નથી, સમજી શકતા નથી. એમને શું જ્ઞાન છે ?  કશું જ નહિ. એમને 'સાવિત્રી' સમજાવવાનો પ્રયત્ન નકામો છે. એ શું છે તે માણસો જાણશે પણ તે દૂરના ભવિષ્યમાં. એને સમજવાને કોઈ શકિતમાન થશે તો માત્ર નવી ચેતનાવાળી નવી પ્રજા. હું ખાતરી આપું છું કે 'સાવિત્રી' સાથે સરખાવાય એવું નીલાકાશ નીચે કશું નથી. એ છે રહસ્યોનું રહસ્ય, મહાકાવ્યોની પારનું મહાકાવ્ય, સાહિત્યની પાનું સાહિત્ય, કવિતાની પારની કવિતા, અને દર્શનો પારનું દર્શન. અને શ્રી અરવિન્દે જેટલી સંખ્યામાં ચરણો લખ્યાં છે તેને લક્ષ્યમાં લેતાંય એ સર્વાધિક સત્તમ સર્જનકાર્ય છે, ના, આ માનુષી શબ્દો 'સાવિત્રી'નું વર્ણન કરવાને પૂરતા નથી. એને માટે તો સર્વોત્કૃષ્ટતાવાચક શબ્દોની ને અતિશયોકિતઓની આવશ્યકતા રહે છે. મહાકાવ્યોમાં એ અત્યુંદાત્ત છે. ના, 'સાવિત્રી' જે છે તેમાંનું કશું જ શબ્દો કહી શકતા નથી, કંઈ નહિ તો મને એવા શબ્દો મળતા નથી. 'સાવિત્રી' ના મૂલ્યને, એના અધ્યાત્મ મૂલ્યને તેમ જ એનાં બીજાં મૂલ્યોને સીમા નથી. એના વિષયના વિષયમાં એ સનાતન છે, એની હૃદયંગમતાનો અંત નથી, એની રીતે અને એનું રચનાવિધાન અદભુત છે; એ અદ્વિતીય છે. જેમ જેમ તમે એના વધારે સંપર્કમાં આવશો તેમ તેમ તમે વધારે ઊંચે ઉદ્ધારાશો. અહા !  સાચે જ એ એક અનોખી વસ્તુ છે. શ્રી અરવિન્દ માણસો માટે એક સર્વાધિક સુંદર વસ્તુ મૂકી ગયા છે, ને એ શક્ય હોઈ શકે તેટલી સર્વોચ્ચ પ્રકારની છે. એ શું છે ? માણસ એને કયારે જાણશે ? ક્યારે એ સત્યમય જીવન ગાળવા માંડશે ? પોતાના જીવનમાં એ એનો સ્વીકાર ક્યારે કરશે ? આ હજી જાણવાનું રહે છે.

            વત્સ ! તું રોજ 'સાવિત્રી' વાંચવાનો છે; બરાબર વાંચજે, અંતરમાં સાચું


વળણ રાખીને વાંચજે, પુસ્તક ઉઘાડતાં પહેલાં વૃત્તિને થોડી એકાગ્ર કરીને વાંચજે, મનને ખાલી રાખી શકાય તેટલું ખાલી રાખવાનું, એકદમ વિચાર વગરનું બનાવેલું રાખવાના પ્રયત્નપૂર્વક વાંચજે. એને પહોંચવાનો સીધેસીધો માર્ગ છે હ્રદયનો માર્ગ. કહું છું કે જો તું આવી અભીપ્સા રાખીને સાચી એકાગ્રતા સાધશે તો સ્વલ્પ સમયમાં જ એક જવાળા જગાવી શકશે, અંતરાત્માની જવાળા, પાવનકારી જવાળા જગવી શકશે. સાધારણ પ્રકારથી તું જે કરી શકતો નહિ હોય તે તું 'સાવિત્રી'-ની સહાયથી કરી શકશે. અખતરો કરી જો, એટલે તને જણાશે કે જો તું આવી મનોવૃત્તિ રાખીને વાંચશે, આ કંઈક ચેતનાની પાછળ રાખીને વાંચશે, જાણે એ શ્રી અરવિન્દને કરેલું એક અર્પણ છે એવો ભાવ રાખીને વાંચશે તો એ કેવું જુદા પ્રકારનું, કેવું નવીનતાવાળું બની જાય છે તે અનુભવશે. તને જણાશે કે એ ચૈતન્યથી ભરી દેવામાં આવેલી છે; જાણે કે 'સાવિત્રી' એક જીવંત સત્તા, એક માર્ગદર્શિની ન હોય. હું કહું છું કે જે કોઈ યોગ કરવાની ઈચ્છા રાખી સહૃદય ભાવથી પ્રયત્ન કરે છે ને એની આવશ્યકતા અનુભવે છે તે 'સાવિત્રી'ની સહાયથી યોગની સીડીના ઉચ્ચમાં ઉચ્ચ પગથિયે ચડી શકશે, 'સાવિત્રી' જે રહસ્યનું નિરૂપણ કરે છે તે રહસ્યને પામવાને શકિતમાન બનશે, ને આ પણ કોઈ ગુરુની સહાયતા વિના. ને એ ગમે ત્યાં હશે તોય ત્યાં રહીને સાધના કરી શકશે. એને માટે એકલી 'સાવિત્રી, માર્ગદર્શક ગુરુ બની જશે, કેમ કે એને જેની જેની જરૂર પડશે તે સર્વ એને એમાંથી મળી આવશે. સાધક જો ઊભી થયેલી મુશ્કેલી સામે શાંત ને સ્થિર રહે, કે આગળ વધવા માટે કઈ દિશાએ વળવું કે અંતરાયોનો પરાભવ કેવી રીતે કરવો તેની તેને સમજ ન પડે ત્યારે 'સાવિત્રી' માંથી એને જરૂરી સૂચનો ને નક્કર પ્રકારની જરૂરી સહાય અવશ્ય મળવાનાં. જો એ પૂરેપૂરો પ્રશાંત રહેશે, ખુલ્લો રહેશે, સાચા ભાવથી અભીપ્સા રાખશે તો જાણે કોઈ હાથ ઝાલીને દોરી રહ્યું હોય એવી દોરવણી એને 'સાવિત્રી'-માંથી મળશે. એનામાં આસ્થા હશે, આત્મસમર્પણ કરવો સંકલ્પ હશે મૂળભૂત સહૃદયતા હશે તો તે અંતિમ લક્ષ્યે પહોંચશે.

             સાચે જ, 'સાવિત્રી' કોઈ એક સઘન ને સજીવ વસ્તુ છે. ચૈતન્યથી એ પૂરેપૂરી ને ખીચોખીચ ભરેલી છે. એ છે પરમોચ્ચ જ્ઞાન, એ મનુષ્યોની બધી ફિલસૂફીઓથી ને બધા ધર્મોથી પર છે. એ છે અધ્યાત્મ માર્ગ, એ છે યોગ, એ છે તપસ્યા, સાધના, એકમાં જ સર્વ કાંઈ. 'સાવિત્રી' માં અલૌકિક શકિત છે. જેઓ ઝીલવાને તત્પર છે તેમનામાં તે અધ્યાત્મ આંદોલનો જગાડે છે, ચેતનાની એકેએક ભૂમિકાની સ્ફૂર્તિ આપે છે. એ છે અનુપમ. શ્રી અરવિન્દે જે પરમ સત્ય પૃથ્વી ઉપર ઉતારી આણ્યું છે તેની છે એ પરિપૂર્ણતા. વત્સ ! 'સાવિત્રી' જે રહસ્યનું નિરૂપણ કરે છે અને એના દ્વારા શ્રી અરવિન્દ આપણે માટે જે પયગંબરી સંદેશ પ્રકટ કરે છે તે શોધી કાઢવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તમારી આગળ આ કામ


છે. એ મુશ્કેલ તો છે, પરંતુ એને માટે શ્રમ સેવવા જેવો છે."

૫.૧૧.૧૯૬૭                                                                          

આશીર્વાદો

  અને વળી

    " જો તમે વિષાદમગ્ન થયા હો, જો તમે દુ:ખાનુભવ કરી રહ્યા હો, તમે કંઈ આરંભ્યું હોય ને તેમાં તમે જો સફળતા મેળવતા ન હો, અથવા તો ગમે તેટલો તમારો પ્રયત્ન હોય છતાંય તમારે માટે હમેશાં જો વિપરીત જ બનતું હોય, એવું બને કે તમે તમારો મિજાજ ગુમાવી બેસતા હો, જીવન ઘૃણાજનક બની ગયું હોય, ને તમે પૂરેપૂરા સુખરહિત બની ગયા હો, તો તે પાને " સાવિત્રી" કે "પ્રાર્થના અને ધ્યાનભાવો " ઉઘાડો અને વાંચો. તમે જોશો કે એ બધું ધુમાડાની માફક અદૃશ્ય થઈ ગયું છે અને ખરાબમાં ખરાબ હતાશા ઉપર વિજય મેળવવાનું બળ તમારામાં આવ્યું છે ને તમને જે ત્રાસ દેતું હતું તેમનું કશું જ રહ્યું નથી.  એને  બદલે તમને એક અલૌકિક સુખનો અનુભવ થશે, તમારી ચેતનામાં ઊલટ પલટો આવી જશે અને તેની જોડે જાણે કશું જ અશક્ય રહ્યું ન હોય તેમ બધું જ જીતી લેવાનું બળ અને ઉત્સાહ તમારામાં આવેલાં તમે અનુભવશો, અને સર્વને વિશુદ્ધ બનાવતો અખૂટ આનંદ તમારામાં આવી જશે. માત્ર થોડીક લીટીઓ જ વાંચો અને તે તમારા અંતરતમ આત્મા સાથે સંબંધ સ્થાપવાને માટે પર્યાપ્ત થઈ જશે. એમનામાં એક એવું અસાધારણ સામર્થ્ય રહેલું છે ! અજમાવી જુઓ અને મને એની વાત કરો.

        હા, તમારે માત્ર 'સાવિત્રી' ઉઘાડવાની જ હોય છે, આમ, જ્યાંથી ઊઘડે ત્યાંથી ઉઘાડી વાંચો, કશોય વિચાર કરી રાખ્યા વગર વાંચો ને તમને જવાબ મળી જશે. ઊંડી એકાગ્રતા કરો, તમને ત્રાસ આપી રહ્યું હશે તેને અંગે તમને જવાબ મળશે; કહું છું, ને મને ખાતરી છે કે સોએ સો ટકા તમને જવાબ મળશે. અખતરો કરી જુઓ."

        આવી આ સત્ય 'સાવિત્રી' આપણને અનંતદેવના વરદાનમાં મળી છે. એને આપણા આત્મા સાથે અંત:કરણો સાથે અંગેઅંગ વહાલથી વધાવી લો, અને આપણીઅખિલ ચેતના એની અલૌકિક ચેતના સાથે એકાકાર બની જઈ જગતમાં જીવંત સાવિત્રીમયતા સાધો, અને એના અમૃતરસોનું પાન કરી પરમ શિવતાને સિદ્ધ કરો એવી પ્રાર્થના સાથે ॐ शान्ति: शान्ति: शान्तिः |

 

૧૫ મી ઓગસ્ટ,  ૧૯૭૫                                                                                

 પૂજાલાલ

 શ્રી અરવિન્દ આશ્રમ

 પોંડિચેરી- ૨